સંપ ત્યાં જંપ - વરુ અને તેના બચ્ચા

 

"સંપ ત્યાં જંપ" વરુ અને તેના બચ્ચા

 


એક ઘનઘોર જંગલ હતું. જંગલમાં એટલા લીલાછમ વૃક્ષો હતા કે,  સૂર્યને પણ સંતાવવા માટે જગ્યા ન હતી. જંગલમાં જાતજાતના પશુઓ, પક્ષીઓ હતા. પશુઓ આખો દિવસ ખોરાક શોધી  રાત્રે આરામ કરતા, ત્યારે પક્ષીઓ રોજ સવારે આ પ્રાણીઓને કલબલાટ કરીને જગાડતા હતા. જાત જાતના અપાર પશુઓ અને  પક્ષીઓ હતા.

 

આ જંગલમાં વરુનો  એક પરિવાર રહેતો હતો. વરુઓ હંમેશા સાથે જ જંગલમાં ખોરાક શોધવા જતાં. બચ્ચાનું ધ્યાન રાખવા કોઈ ત્યાં હાજર રહેતું,  પણ બચ્ચા માને તો બચ્ચા શાના? બચ્ચા આખો દિવસ બખોલમાંથી બહાર નીકળી રમતા, કુદતા અને દોડવાની હરીફાઈ રાખતા. પડતા, રોતા અને મસ્તી કરતા આખો દિવસ થકવી નાખતા હતા. ક્યારેક બચ્ચા બખોલ માંથી બહાર પણ આવી જતા અને દોડાદોડી શરૂ કરતાં. વરુઓ બચ્ચાની આ પ્રવૃત્તિઓથી ખૂબ જ ચિંતિત હતા.

 

એક દિવસની વાત છે વરુઓ શિકારની શોધ કરવા નીકળી પડ્યા. બપોરનો સમય થયો હતો. બચ્ચાંનું ધ્યાન રાખતું એક વરુ થાકના કારણે ઊંઘી ગયું. તેને ઊંઘતું જોઈ  બધા બચ્ચા ગુફાની બહાર નીકળી ગયા. બધા બચ્ચા ગુફાથી ખૂબ જ દૂર ચાલ્યા ગયા તે રમત-રમતમાં બચ્ચાને ખબર ના રહી.  છતાં બધા બચ્ચા રમતમાં મશગુલ હતા. કેટલાક બચ્ચા દોડાદોડી કરતા હતા, તો કેટલાક બચ્ચા ઉંચી ટેકરી ઉપર ચડતા હતા અને પછી ઉપરથી લપસતા હતા,  કેટલાક બચ્ચા ઝાડ પર ચડવાનો પ્રયત્ન કરતા હતા.

 

વરુનું એક બચ્ચું આ બધાથી દૂર શાંતિથી બેસેલું હતું. ત્યાં જ બચ્ચા નો અવાજ સંભળાતા એક શિયાળે કાન સરવા કર્યા અને તેના મોમાં લાળ ટપકવા લાગી. તે સફાળું ઉભું થયું અને અવાજની દિશામાં ઉત્સાહભેર ઝડપથી દોડવા લાગ્યું. જેવું તે નજીક આવ્યું કે એક ઝાડના થડ પાછળ સંતાઈને જોવા લાગ્યું કે આટલો બધો ખોરાક એક સાથે. તે પોતાની જાતને સંભાળી શક્યું નહિ. તેણે જોયું તો બધા બચ્ચામાં એક બચ્ચું શાંતિથી બેસેલું હતું. આથી તેણે નક્કી કર્યું કે આ જ પહેલો તેનો શિકાર બનશે.

 

શિયાળ ધીમે ધીમે ઝાડીઓ ની પાછળ છુપાતા છુપાતા તે બચ્ચાની બાજુમાં આવી ગયું અને ધીમેથી તેનું ગળું પકડી જાડી પાછળ ખેંચી ગયું. બચ્ચાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ પણ તે ચીસ એટલી મોટી ના નીકળી અને બધા બચ્ચા રમતમાં મશગુલ હોવાથી કોઈ સાંભળી શક્યું નહીં. પણ અચાનક એક બચ્ચાની નજર તે બચ્ચા ઉપર ગઈ. અને તેણે જોઈ લીધું કે કોઈ તેના મિત્રને ખેંચી લઈ ગયું છે.

 

બચ્ચું ઊંચા પથ્થર પર જઈ જોરથી અવાજ કર્યો અને બધા બચ્ચાને બોલાવી સંપૂર્ણ વાત કરી. હવે બચ્ચા ડરી ગયા અને પોતાની ભૂલ પણ સમજાઈ ગઈ કે, પોતે ગુફામાંથી બહાર આવી મોટી ભૂલ કરી હતી. પણ હવે પસ્તાવો કરવાનો કોઈ ફાયદો નથી.

 

હવે એક બચ્ચું પથ્થર પર આવી કહેવા લાગ્યું,  "આપણે ભૂલ કરી છે. તો આપણે જ આ ભૂલ સુધારવી પડશે. આપણે વધારે છીએ અને તે એક લુચ્ચુ શિયાળ છે. આપણે બધા સાથે મળી જઈશું, તો આપણે તેને હરાવી દઈશું."

 

આ સાંભળી બધા બચ્ચામાં હિંમત આવી અને શિયાળ જ્યાં ઝાડી પાછળ હતું તે બાજુ ચાલવા લાગ્યા. કેટલાક બચ્ચાં ડરતા હતા તે પણ પાછળ પાછળ ચાલવા લાગ્યા. બધા બચ્ચાએ ઝાડીની ફરતે આવી શિયાળની ઘેરી લીધું. શિયાળ બચ્ચાને ખેંચતું હતું,  તો સામે બચ્ચું પણ ખૂબ જ બળ લગાવી પોતાનો બચાવ કરી રહ્યું હતું.

 

આટલા બધા બચ્ચાને પોતાની ફરતે જોઈ શિયાળ પણ ડરી ગયું પણ તેણે બચ્ચાને છોડી દીધું પછી પોતાનો પગ બચાવ પર રાખ્યો અને શિયાળે બધા બચ્ચાને કહ્યું, "તમે નાનકડા બચ્ચા છો. હું શિયાળ છું. હું વનના રાજા શેરખાનનો ડાબો હાથ છું. મારામાં શેરખાન જેટલી જ તાકાત છે. હું તમને બધાને એક એક થપ્પડથી ભૌ-ભેગા કરી દઈશ. તમારી શું ઓકાત મારી સામે?"

 

બધા બચ્ચા એક થયા હતા એટલે ડરે શાના? બધા બચ્ચા ધીમે ધીમે શિયાળની નજીક આવતા ગયા અને ઘેરવા લાગ્યા. પછી બધા બચ્ચાએ શિયાળને ઘેરી પોતાના નાના નાના પગ વડે અને અણીદાર નખ વડે શિયાળ પર હુમલાઓ ચાલુ કર્યા. (આ બધું ધ્યાન રાખતું અને ઊંઘી ગયેલ વરુ એક ઝાડના થડ પાછળ સંતાઈને જોઈ રહ્યું હતું. તેણે વિચાર્યું કે જરૂર પડે તો જઈશ. નહીં તો બચ્ચા ભલે પોતાની રીતે લડતા. ) શિયાળ વિચારમાં પડી ગયું કે કઈ બાજુથી બચવું? અને કઈ બાજુથી ભાગવું ? અંતે  શિયાળ પાસે એક જ રસ્તો હતો કે "જીવતા હશું તો ખોરાક પછી પણ મેળવી લેવાશે!  પણ હાલ તો જીવ બચાવવો પડશે."

 

શિયાળ ત્યાંથી પોતાનો જીવ બચાવતા, લંગડાતા લંગડાતા ભાગ્યું અને બોલતું ગયું " હાથના કર્યા હૈયે વાગ્યા".

 

એક બચ્ચાએ, જે બચ્ચાને શિયાળે પકડ્યું હતું તેને કહ્યું,  "આપ સમાન બળ નહીં".  ત્યાં વરુ થડ પાછળથી આવી અને બોલ્યો કે "ચેતતા નર સદા સુખી". અને બધા બચ્ચાના મોઢા પડી ગયા.  હમણાં બધાનું આવી બન્યું. ત્યાં તો વરુ હસીને બોલ્યો, " જાજા હાથ રળિયામણા " અને બધા બચ્ચા બોલી ઊઠ્યા "સંપ ત્યાં જંપ" અને પછી બધા બખોલમાં ગયા.   સાંજે બધા વરુ આવ્યા ત્યારે આખી વાત બીજા વરુએ કરી.  ત્યારે વરુના મુખિયાએ બચ્ચાને કહ્યું કે "જુઓ જોયું ને કે તમે બધા એક સાથે unity બનાવીને રહેશો તો તમને કોઈ નહીં હરાવી શકે". એટલે જ કહેવાય છે કે, "સંપ ત્યાં જંપ".

 

બોધ :-

સહ પરિવાર બધાએ સાથે રહેવું જોઈએ. જ્યાં યુનિટી છે ત્યાં દુઃખ આવતું નથી, અને શાંતિ જળવાઈ રહે છે.

Post a Comment

0 Comments